સાચું સોરઠિયો ભણે !
(સાત રચનાઓ)
1. ઇ કલપતરુની છાંય !
આ કે તે નંઇ કાંય, સાચું સોરઠિયો ભણે,
વણપૂછ્યે પળમાં ય, સાચું સોરઠિયો ભણે !
નંઇ પરાયું કાંય, પોતાનું કરી પાલવે,
ઈ ગ્રેહવા જોગી બાંય, સાચું સોરઠિયો ભણે !
નંઇ છેડો, નંઇ છોર, આઘું ઓરું કાં કરો,
ક્યો તો બતાડું આંય, સાચું સોરઠિયો ભણે !
અંધારા ધોવાય, ઝળકું ઝાંખી ના પડે,
ઝીલવી એવી ઝાંય, સાચું સોરઠિયો ભણે !
તન મન શીતળ હોય, ઈની અડોઅડ ઊભિયેં,
ઈ કલપતરુની છાંય, સાચું સોરઠિયો ભણે !
- રાજેન્દ્ર શુક્લ
2.08.2008
2. ભેદ ટળ્યે ભગવંત !
‘અ’ થી આરંભાઈને અનુસ્વારથી અંત,
વચ્ચે ‘ઉ’ મૂકી દિયો, ‘હ’ કાં મૂકો, હંત !
મૂંગું મરકે કામિની, મૂંગું હરખે કંત,
એકમેકથી વેગળાં, ત્યાં લગ સઘળી ચંત !
અળગું ઓઢણ ખોળિયું, જાગી જૂઓ જંત,
ખાલી ખાલી ખેલવું, ખાલી ખાલી ખંત !
છેડાં સહુ છૂટ્યા અને તૂટ્યા તૂટ્યા તંત,
અણધાર્યું અણચિંતવ્યું આ ઊભું અણ-અંત !
આસન અંદર આરપિયું, મૌન બિરાજે સંત,
ભીતર ભીતર ભાળિયું, ભેદ ટળ્યે ભગવંત !
- રાજેન્દ્ર શુક્લ
31.05.2008
3. ઊભો ઠેરનાં ઠેર !
કાઠું કેવું કાળજું, કાઠા કેવા કેર,
એક અમસ્તું આવડું માગે વાના તેર !
ના ભેરું ના ભોમિયો, ના કોઈ તાણે ભેર,
અણચિંધ્યા આ મારગે, આપ મનાવો ખેર !
ડગ ડગ ડામણ દિધિયું, ડોકે ઝૂલે ડેર,
અંધારે ઘટ ઘેરિયાં, કેમ પ્હોંચવું ઘેર !
નજરું નીચી ઢાળીને, હેર સકે તો હેર,
પછે તું એને પૂછજે, કેમ ન લાગી લ્હેર !
સબદ સુરંગું ફૂટિયું, ઊડ્યા ધૂળના ઢેર,
કાળમીંઢ ફાટી પડ્યાં, ફૂટી સેંજળ સેર !
માથા પર માથું નઈં, કહેવું યે કઈ પેર,
તોળ્યે તુટ્યું ત્રાજવું, કિસ્યું શેર અચ્છેર !
અમરત અંગ અંઘોળતાં, ઊતર્યાં સઘળાં ઝેર,
ના કાઊસે દોસતી, ના કાઊસે વેર !
અંદર ઊગ્યું, અરઘિયું, અબ ના લાગે દેર,
ક્યાં જાશો, ક્યાં આવશો, ઊભો ઠેરનાં ઠેર !
નોખેનોખું ય ન્યાળતાં, ન મળે કાંઈ ફેર,
હોવાનું કઈ હોય ના, તો હોવું કઈ મેર !
- રાજેન્દ્ર શુક્લ
20.06.2008
4 . ગાયાં મંગળ ધોળ !
અંતર એવું ઊછળે, છેક લગીની છોળ,
આવો સાજણ આમણાં, આભ લગ્યાં અંઘોળ !
ખમે થપાટું કાળની, ખંતીલી ખંખોળ,
ઢાળાં એવા ઢાળિયેં, ચડે ન ઊતરે ઢોળ !
કો કાળે કરમાય નઇં એવી ઊભી ઓળ,
ભર ઊનાળે નિંઘલી, કાળજડાંની કોળ !
ગળચટ્ટું આ આંગણું, ગળચટ્ટો કૈં તોળ,
કિયે મલકથી ઊતર્યો ગાડે ગાડાં ગોળ !
ભીતર ભીતર ભાળવ્યું, સઘળે જળબંબોળ,
જતન ઝીણેરે જાળવ્યું, ભરી લીધ કંચોળ !
એકમેક રંગાઇને, રંગે રાતાં ચોળ,
હલે ચલે ના હલબલે, વાય ભલે વંટોળ !
ફાગણ ફાગવધામણે, ફૂલડાંની ફંફોળ,
શ્રાવણ કેરે સરવડે, ગાયાં મંગળ ધોળ !
- રાજેન્દ્ર શુક્લ
3.08.2008
5. અડધી રાતે ભાણ !
વણતાણ્યે ઝોળાં પડે, તાણ્યે તૂટ્યું જાણ,
વચલો મારગ કાઢિયેં, નંઇ ઝોળો નંઇ તાણ !
પળ નો હાલે પાધરી, પળને આડી પાણ,
શાને કારણ સંચિયેં, એવાં કંઈ ઓસાણ.
માણ્યાં જોગું જે મળ્યું, મન ભરીને માણ,
બાકી જે કાંઈ બળ્યું, પછી નિરાંતે નાણ !
મરકટ શું મનમરગલું, અવળું ને અણજાણ,
એવું તો વશ રાખિયેં, વરતે આપણી આણ !
ખાઊધરાં અકરાંતિયાં, ખોદ્યા કરતાં ખાણ,
આઘાં અમથી રાખજે, અવગતનાં એંધાણ !
વીત્યાંનો નંઈ વસવસો, જે લીધી તે લા’ણ,
રાતુંમાતું રાચિયેં, હોવું રાતી રા’ણ !
સીધે સીધું પહોંચશે, છુટ્યું છે જે બાણ,
એની મેળે ઊગશે, અડધી રાતે ભાણ !
-રાજેન્દ્ર શુક્લ
21.09.2008
6. આવું કોઈ તાવે નંઈ !
મેળામાં મળતાં ય, ઓળખમાં આવે નંઈ,
ભરિયલ ભાણાંમાં ય, ભોજનિયાં ભાવે નંઈ !
ના થાવાનું થાય, થાવાનું થાવે નંઈ,
કારી અમણી કાંય, પરભુડા ફાવે નંઈ !
સુણતલ શેણ સુજાણ, અળગાં ને અળગાં રિયાં,
ઊલટ એળે જાય, મન ગાણું ગાવે નંઈ !
ખાંત્યુંથી ખેડ્યાં ય, જાતે તાણ્યાં જોતરાં,
વણ ઊગ્યું રઈ જાય, એવું કોઈ વાવે નંઈ !
ભવ આખો ભૂંજાય, અમે તડોતડ તૂટિયેં,
આવું કોઈ ક્યાંય, કોઈને તાવે નંઈ !
- રાજેન્દ્ર શુક્લ
- 21.09.2008
7. પારિજાતની પ્રાગડે
મદઝરતી આ ચાંદની, મધઝરતી મધરાત,
કેમે કરી ખૂટે નંઈ, વણપડદાળી વાત !
વ્રખને વેલ વળૂંભતી, એમ વળગતાં ગાત,
અંગે અંગે ઊઠતી, વણશબ્દાળી ભાત !
હળવાંથી હળવાં વળી, હળવા ઘાતાઘાત,
આમ જૂઓ તો કાંઈ નંઈ, આમ વડો ઉતપાત !
ક્યાંથી રે સંભાળિયે, ન મળે નોખી જાત,
આખેઆખું ઓતપ્રોત, સામેસામી મા’ત !
કેવાં મીઠાં જાગરણ, એની શી પંચાત,
પારિજાતની પ્રાગડે, પગટ્યું કંઈ પરભાત !
- રાજેન્દ્ર શુક્લ
21.09.2008
*for previous posts click here
|