આદિલ સાહેબની સ્મૃતિમાં -
અર્ઘ્ય 1 *
(સોનેટ)
હે અગ્રયાયી પથ, હે પ્રકાશ,
સાતત્ય કેવું સર્જ્યું અનન્ય,
જેનાં થકી આજ બધું ય ધન્ય,
માધુર્ય હે, મૂર્તિમતી મીઠાશ !
ઊર્જા હજી એમ જ આજ અદ્ય,
પ્રજ્ઞા પ્રવાહી વળી કેવી સદ્ય,
બધું ય જેનું બસ હૃદ્ય હૃદ્ય,
ક્યારે ય એ નહિ ઓઝપાય !
ગોળાર્ધ જે અન્ય વસ્યું છતાં ય
શ્વસ્યું સદા આંહિ, ન અંતરાય,
પ્રત્યક્ષ એવું, પળમાં પમાય,
એકાંત એ મૌન મહીં સમાય.
અનશ્વરે તો નવ હોય અંત,
તમે હવે વ્યાપક દીપ્તિમંત....
રાજેન્દ્ર શુક્લ
(*આદિલ સાહેબને... 7.11.2008)
અર્ઘ્ય - 2
(સોનેટ)
ઊગ્યાં તમે ભીતરને પ્રતાપ,
ઐશ્વર્ય એવે પ્રસર્યાં અમાપ,
સુહાય જેવું નભ ઈન્દ્ર ચાપ !
અભૂતપૂર્વા ગતિ જે લહાય,
યાત્રા તમારી જ્યહીં પૂર્ણ થાય,
આરંભ ત્યાંથી જ નવા રચાય !
દેખાડ્યું એવું સહુને યથાર્થ,
અનર્થથી ભિન્ન કર્યું જ સાર્થ,
તમારી સંગે સઘળું કૃતાર્થ !
લહેરી રહ્યો જે અહીં કુંજ કુંજ,
શાશ્વત તમે એહ પ્રકાશ પુંજ,
શબ્દો શમે કિંતુ શમે ન ગુંજ...
કેડો હતો તે કીધ રાજમાર્ગ
એમાં વળી રમ્ય રચ્યો વળાંક !
- રાજેન્દ્ર શુક્લ
(*આદિલ સાહેબને... 11.11.2008)
*for previous posts click here
|