The Official Website  
line decor
  
line decor
 
 
 
 
 
 
 
Other Writings

 

હજો હાથ કરતાલ - એક સ્વોપજ્ઞ ટિપ્પણ*

1. હાથ(માં) કરતાલ, ચિત્ત(માં) ચાનક, અને તળેટી સમીપે થાનક હજો-એવી અભીપ્સાનો ઉદ્ગાર. 'ગિરિતળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી ન્હાવા જાય'. નરસિંહ મહેતાના સંદર્ભની વ્યંજના.

2. મીરાંબાઈના જીવનની ઘટના-અનન્ય શ્રદ્ધાના પરિણામસ્વરૂપે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. અહીં સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન. રાજસ્થાની ભાષાનો સંસ્પર્શ: 'લઈ નામ તારું'ને બદલે 'લઈ નાંવ થારો', 'સમયનું હળાહળ'નું 'સમયરો હળાહળ'માં રુપાંતર, 'ધર્યું હોઠ'ના સ્થાને 'ધર્યો' હોઠ. 'અમરત જાણીને મીરાં પી ગયાં' તે 'અમીયેલ પાનક'. પાનક- 'પાન'(પીવું તે)ને સ્થાને સ્વાર્થે 'ક' પ્રત્યય લાગતાં 'પાનક' અર્થાત 'પેય'પેય, વિશિષ્ટ પેય.

3. શબ્દના અનન્યાશ્રય દ્વારા આરાધ્યના સ્વત: પ્રાકટ્યની તથા પરમ સાર્થક્યના અવશ્યંભાવિ અનુભવની દ્રઢ શ્રદ્ધાનું કથન. સંદર્ભ: તુલસીદાસ. 'ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રધુવીર'.

4. વ્યવહારના સ્વીકાર છતાં વ્યવહારથી ન ખરડાવાની અસંગ નિર્લેપતા. જે કૈં છે, પ્રાપ્ત થયું છે તેને તેમનું તેમજ યથાવત પરત કરવાની તત્પરતાનો સંકલ્પ. સંદર્ભ: કબીર સાહેબ. 'દાસ કબીર જતન કરી ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં'. 'જાળવ્યું છે', 'ઝીણેરા જતનથી', 'સોંપીશું' અને 'કોરું કથાનક'એ પદો દ્વારા સધાતી વ્યંજના.

5. માત્ર આ એક જ શેરમાં પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે 'નાનક' એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ અનાસક્ત સ્વરહિત સાક્ષીભાવ તથા સર્વાત્મભાવની ચિત્તસ્થિતિનું પ્રરૂપણ. સંદર્ભ: નાનકસાહેબની પ્રસિધ્ધ ઉક્તિ 'રામકી ચિડિયા, રામકા ખેત, ખા લો ચિડિયા ભરભર પેટ'. ચણનું 'ચન', ચણેનું 'ચુગે', રાખીનું 'રખી' અને હાથનું 'હથ્થ'. એ દ્વારા પંજાબી ઉચ્ચાર લઢણોનો વિનિયોગ..
 
6. પુન: એક તીવ્રતમ અભીપ્સા. અખંડ ગાન-નામસંકીર્તનની મધુરોપાસના દ્વારા આરાધ્ય સાથેની એકાત્મતા, મધુરાદ્વૈતના મહાભાવની અનુભૂતિની ઝંખના. સંદર્ભ: મહાપ્રભુ ચૈતન્યદેવ. નયનથી નીતરતી આદ્રતામાં દેહભાવનું વિગલન. મહાભાવને બદલે 'મહાભાબ', તથા ધૌત -'ધઊત', ગૌડ- 'ગઊડ' એવા પદોચ્ચાર દ્વારા બંગાળી ભાષાનો ઈષત સ્પર્શ. વ્યાકરણ સંમત છતાં અલ્પપ્રયુક્ત એવું 'ગાનક' પદ - જે ચૈતન્યદેવના 'હરિ બોલ હરિ બોલ' ઉદઘોષને વ્યંજિત કરે છે.

7. અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે, અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ 'અનલ હક'- અહં બ્રહ્માસ્મિ દ્વારા. 'શબોરોઝ'- રાત દિવસ એની મહક - પરમ તત્વનો ગાઢ સંસ્પર્શ, 'મુસલસલ'- સતત, અવિરત, અવિચ્છિન્ન, 'અજબ'- અનિર્વચનીય, 'હાલ' સમાધિના દિવ્યભાવની અવસ્થા. 'આનક'- આનન - મુખ શબ્દ પરથી સિદ્ધ કરેલો શબ્દ. લુપ્તસપ્તમીનો  પ્રયોગ, 'આનક' મુખમાં. અનલહક અહીં બ્રહ્માસ્મિનું જ રટણ રહો એવી અભીપ્સા.

 

- રાજેન્દ્ર શુક્લ
22/08/2007.

 

*પોતાની રચનાને વિશદ કરવા રચનાકાર સ્વયં જે ટિપ્પણ-ટીકા-ભાષ્યાદિ રચે તેને માટે 'સ્વોપજ્ઞ' એવી સંજ્ઞા આપણી પરંપરામાં પ્રયોજાય છે.

(નોંધ: આ ગઝલને સમજવાની ઇચ્છાથી કવિશ્રીને પુછાએલા પ્રશ્નોના ઉત્તર ભાવકો સુધી પહોચાડવાની મારી ભાવનાને માન આપીને કવિશ્રીએ સ્વહસ્તે લખી આપેલ અઢી પાનાનો લેખ. મારા જીવનની કેટલીક ધન્યતમ પળોમાંની એક... - ધૈવત શુક્લ.)

 

 
 

 
Recent/News
A documentary film on Poet Shri Rajendra Shukla. More...

In His Own Voice
Listen to Ghazal "Patrasamvedana" in his own voice, Recorded in May, 2007.

Translation of his poems in English
"Vrund Gana" - The Eternal Cosmic Symphony - Translated by Dhaivat Shukla

Poet's other writings
A tribute to Paresh Bhatt - The story of The Process of Composition of "Hajo Haath Kartaal " by Rajandra Shukla (in Gujarati)

On Education
In search of a meaningful alternative of the prevalent formal education system.

On His Poetry
From various sources

His Poetry With Music, Poetry in Music
Listen to Ghazal "Hajo Haath Karataal" sung by Paresh Bhatt.